મધ્યપ્રદેશમાં ઠંડા પવનોએ ઠંડી વધારી દીધી છે. ઘણા શહેરોમાં સોમવારે રાત્રે તાપમાન ૬ ડિગ્રીથી નીચે ગયું. શહડોલના કલ્યાણપુરમાં સૌથી ઓછું તાપમાન ૪.૨ ડિગ્રી નોંધાયું. ભોપાલ, ઇન્દોર સહિત ૯ જિલ્લામાં મંગળવારે કોલ્ડવેવનું એલર્ટ છે. ઘણા શહેરોમાં તાપમાન ૫ ડિગ્રીથી નીચે જઈ શકે છે. રાજસ્થાનના ૧૯ શહેરોમાં સોમવારે તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું. ફતેહપુરમાં સૌથી ઓછું, ૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે રાજ્યમાં ૧૦ ડિસેમ્બરથી શીતલહેર ચાલવાની આશંકા વ્યક્ત કરી છે.
બીજી તરફ, પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે. ઉત્તરાખંડના ચમોલી, ઉત્તરકાશી, પિથોરાગઢ સહિત ઘણા જિલ્લાઓમાં સોમવારે બપોરે ભારે હિમવર્ષા થઈ. પહાડો સંપૂર્ણપણે સફેદ ચાદર ઓઢેલા દેખાયા. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગમાં સોમવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો હિમવર્ષાનો આનંદ લેતા જાેવા મળ્યા. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલા રોહતાંગ પાસમાં હિમવર્ષા થઈ. આના કારણે મનાલી-લેહ રોડ બંધ કરી દેવામાં આવ્યો.

