Gujarat

ધોરાજીમાં ટેકાના ભાવની સોયાબીન ખરીદીમાં ગેરવર્તનના આક્ષેપો, વિવાદ ચરમસીમાએ પહોંચી જતાં ખરીદી બંધ

ધોરાજી તાલુકાના જમનાવડ ગામે નાફેડ દ્વારા ટેકા ભાવએ સોયાબીનની ખરીદી ચાલી રહી છે ત્યારે મજૂરો અને ગ્રેડરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

ટેકા ભાવની ખરીદી દરમિયાન આ પ્રકારના ગેરવર્તન અને બળજબરીના આક્ષેપો જાહેર થતાં ખરીદી કેન્દ્ર પર ચકચાર મચી ગઈ હતી. વિવાદ બિચકાતા તાત્કાલિક અસરથી ખરીદી બંધ કરવી પડી હતી અને પોલીસ દોડી આવી હતી.

ખેડૂતોના આક્ષેપ મુજબ મજૂર, ગ્રેડર અને કેટલાક જવાબદાર કર્મચારીઓ દ્વારા રૂપિયા પડાવવામાં આવતા ખરીદી સંપૂર્ણપણે થંભી ગઈ હતી. વિવાદ વધતાં અધિકારીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હાલ જમનાવડમાં સોયાબીનની ખરીદી તાત્કાલિક અસરથી બંધ છે અને સમગ્ર મામલે ચકચાર મચી ગઈ છે.

મજૂરો પાસેથી 200ની માંગ કરતા હતા‎ ખેડૂત વિનોદભાઈ વાઘમશીએ જણાવ્યું કે સરકારની જાહેરાત મુજબ લૂઝમાં આવતો માલ પણ સ્વીકારવાનો હતો, સોયાબીન લઈને આવતા ત્યારે કેટલાક કર્મચારીઓ અને મજૂરો તેમના પરથી રૂપિયા 200ની માંગણી કરતા હતા. ન આપવા પાછળ મજૂરો દ્વારા “ધૂળ નાખીને માલ રિજેક્ટ કરી દેશું, દસ ટકા માલ ડેમેજ બતાવી દેશું” જેવી ધમકીઓ આપવામાં આવી હતી.