Gujarat

સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 1 માસથી‎એક્સ-રે બંધ, દર્દીઓને બમણી પીડા‎

જામનગરમાં આવેલી અને ગુજરાતની સૌથી મોટી ગણાતી તેમજ આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ નામ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રામાં છેલ્લા એક મહિનાથી વધુ સમય એક્સરે મશીન બંધ છે જેને કારણે દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વ કક્ષાએ પોતાનું નામ ધરાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદમાં છેલ્લા એક મહિનાથી મશીન બંધ હાલત છે.

ઉલ્લેખનીય છે કે દરરોજ અહી મોટી સંખ્યામાં લોકો અન્ય ગામોથી પણ અહીં સારવાર કરાવવા માટે આવતા હોય છે. અત્યારે જરૂર પડે તે દર્દીઓને એક્સરે માટે કહેવામાં આવતું હોય છે પરંતુ અહીં બંધ હોવાથી દર્દીઓને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે પરંતુ કરમની કઠણાઈ તો એ છે કે સરકારી જીજી હોસ્પિટલમાં પણ પોતાના જ દર્દીઓની સંખ્યા એટલી હોય છે કે કલાકો સુધી ઉભા રહ્યા બાદ પણ ઘણી વખત દર્દીઓને એક્સરેનો વારો આવતો નથી.

આથી ના છૂટકે દર્દીઓને મસ મોટા રૂપિયા ખર્ચીને દર્દીઓને પ્રાઇવેટમાં એક્સરે પડાવવાની ફરજ પડી રહી છે જેને કારણે દર્દીઓની હાલાકી બેવડાય છે. આ અંગે તંત્રને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે મશીનની રીપેરીંગ કામગીરી માટે પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. મશીનના પાર્ટસ ખરાબ હોવાથી તેને બદલાવા પડે તેમ છે.