Gujarat

ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં હાજરી આપશે, સચીનથી કડોદરા સુધીના 10 કિમીના આઉટર રિંગરોડના કામનું ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગર પાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે.

CM 600 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત, રાંદેર વિસ્તારની એક ખાનગી હોટલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં સહભાગી થવું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટોના મુખ્ય લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્થળો પરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.

આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના 10 કિમીના કામનું ખાતમુહૂર્ત આ વિકાસ પ્રકલ્પોમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ સુરતની ફરતે સાકાર થઈ રહેલા 66 કિલોમીટર લાંબા આઉટર રિંગરોડનો બાકી રહેલો સેગમેન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના અંદાજિત 10 કિલોમીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં રોડનું બાંધકામ અને ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે.