મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી આયોગના સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વરની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.અનિલ ધામેલિયાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને SIR સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના પ્રથમ તબક્કા દરમિયાન કરવામાં આવેલી કામગીરી, વિશેષ કામગીરી અને આગામી કામગીરી બાબતે સમીક્ષા સહ વિસ્તૃત વિચાર પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં એસ. આઈ.આર.અંતર્ગત થયેલી કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, મતદારયાદી સુધારણાની કામગીરી દરમિયાન જિલ્લાભરમાંથી 1.46 લાખથી વધુ અવસાન પામેલ મતદારો યાદીમાં સામેલ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેમને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ ઉપરાંત ગેરહાજર મતદારો, કાયમી સ્થળાંતરિત અને પુનરાવર્તિત નામ જેવા પરિબળોને ધ્યાને લઈ સઘન કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરની મતદાર યાદીમાંથી 81 ટકા મતદારોનું સો ટકા ડિજિટાઈઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.

