નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી મહાનગર પાલિકા વિસ્તારના રૂા 78.95 કરોડના કામો પૈકી, રૂ. 72.75 કરોડના 25 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 6.20 કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, ડેકોરેટિવ પોલ, હેરિટેજ બ્રેકેટ તથા વેસ્ટ કલેક્શન વાહનો સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મનપા વિસ્તારોમાં વિકાસના કામોની ઝડપી કામગીરી બદલ મહાનગર પાલિકા ટીમને અભિનંદન પાઠવતા મંત્રી કહ્યું હતું કે, વાપી મહાનગર પાલિકા વિસ્તારના દરેક વિસ્તારના વિકાસ માટે અનેક કાર્યો પ્રગતિ હેઠળ છે. તેમજ ઘણા કામો પૂર્ણ થયા છે. સમગ્ર આયોજનો બાદ જ કામો કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી દરેક જરૂરિયાતના કામો ઝડપથી પૂર્ણ કરી શકાય. વાપી મનપા વિસ્તારમાં સોલિડ વેસ્ટ (લેગસી વેસ્ટ) શૂન્ય ટકા થયો છે. વેસ્ટ કલેક્શન સિસ્ટમ પણ ખુબ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે.નાની-મોટી અનેક સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે.
કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરી, વાપી મહાનગર પાલિકા ડેપ્યુટી કમિશનર આસ્થા ચૌધરી, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાશ્મીરા શાહ, અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

