Gujarat

ગાંધીનગરની પેરા શૂટર મિલી શાહે રચ્યો ઇતિહાસ

ગાંધીનગરની યુવા પેરા શૂટર મિલી મનિષકુમાર શાહે રમતગમત ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠી રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં મિલી શાહે 10 મી. એર રાઇફલ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે જ મિલી શાહ પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ દીકરી બની ગઈ છે.

મિલી શાહ કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છે ગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતી મિલી શાહે કડી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છે. ચેરમેન ગજેન્દ્રસિંહ બારડ અને કોચ વિમલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિલી પ્રેક્ટિસ કરી રહી છે.

ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મિલીએ R3 મિક્સ 10 મી. એર રાઇફલ પ્રોન SH1 ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. મિલીએ 631.9નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં મિલીએ સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.