જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. એન.એમ. શેખ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કેમ્પમાં 321 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્ત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઉપયોગ માટે જમા કરાયું છે.

આ રક્તદાન કેમ્પ ખીજડીયા બાયપાસ રોડ પર આવેલા રોયલ રિસોર્ટ ખાતે યોજાયો હતો. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જી.જી. હોસ્પિટલ, જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અને HDFC બેંકના સહયોગથી તેનું આયોજન કરાયું હતું.
આ શિબિરમાં જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, શહેર વિભાગના ડીવાયએસપી જ્યેન્દ્રસિંહ ઝાલા, SOG ના પી.આઈ. બી.એન. ચૌધરી, પંચકોશી એ. ડિવિઝનના પી.આઈ. એમ.એન. શેખ સહિત અન્ય પી.એસ.આઈ. હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકત્ર કરાયેલું આ રક્ત થેલેસેમિયા સામે ઝઝૂમી રહેલા બાળકો માટે ઉપયોગી થશે. જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં તેને ખાસ કરીને આવા બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે જમા કરવામાં આવ્યું છે.

