ધોલેરામાં ટોરેન્ટ પાવર પ્લાન્ટ નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી કે કપચી ખાલી કરીને પરત ફરી રહેલી ટ્રકની લિફ્ટ ખુલ્લી રહી જતા તે લોખંડના હોર્ડિંગ બોર્ડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં હોર્ડિંગ ટ્રક પર પડતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના 19મી તારીખની રાત્રે લગભગ 3:00 વાગ્યાના અરસામાં ધોલેરા એસઆઈઆર વિસ્તારમાં બની હતી. ટ્રક ચાલક માટી, રેતી કે કપચી ખાલી કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રકની ટ્રોલી લિફ્ટ ખુલ્લી રહી ગઈ હતી. ખુલ્લી લિફ્ટ સાથે ટ્રક લોખંડના હોર્ડિંગ બોર્ડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. જેના પરિણામે વિશાળ હોર્ડિંગ ટ્રકની કેબિન પર પડ્યું હતું.
હોર્ડિંગ ભારે હોવાથી તેને હટાવવા માટે ટાટા પ્લાન્ટમાં કાર્યરત પાંચ જેટલી ક્રેનની મદદ લેવામાં આવી હતી. હોર્ડિંગ હટાવવામાં સમય લાગતા ડ્રાઈવરનું કેબિનની અંદર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

