સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કેચરીના ઓડિટર ગ્રેડ 2 ઘુઘાભાઈ ગોલિહ, નિવૃત્ત ઓફિસ સુપ્રિટેન્ડેટ વારસી અહમદ શેખ અને આઉટ સોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આ ત્રણેય શખસોએ મંડળીના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી. જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સહકારી મંડળીમાં નોંધણીની અરજી માટે 25 હજારની લાંચ માગી સુરત એન્ટી કરપ્શન બ્યૂરોની કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ લાંચિયા અધિકારીઓએ લાંચના રૂપિયા સ્વીકારવાનું સેટિંગ ગોઠવ્યું હતું. સહકારી મંડળીની નોંધણી માટે આવેલી અરજીના બદલામાં આરોપી ઓડિટર ઘુઘાભાઈએ શરૂઆતમાં 25 હજારની માગ કરી હતી. જોકે, રકઝકના અંતે 20 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી આ રકમ આપવા માગતો ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.
કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી લાંચના નાણાં લેવા પહોંચ્યો લાંચિયા અધિકારીઓએ આ રૂપિયા માટે અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી વિજય ડેરીની સામેના ટેબલ-ખુરશીવાળા જાહેર સ્થળની પસંદગી કરી હતી. આરોપી વારીસ અહમદ શેખ (નિવૃત સુપ્રિટેન્ડેન્ટ)ના કહેવા મુજબ આઉટ સોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ત્યાં નાણાં લેવા પહોંચ્યો હતો. જાહેર રસ્તા પર જ લાંચની રકમ આપવાની હતી.
લાંચના 20 હજાર સ્વીકારતા જ ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો જેવી કલ્પેશ ચોધરીએ ફરિયાદી પાસેથી રૂપિયા 20 હજારની રોકડ રકમ હાથમાં લીધી કે તુરંત જ આસપાસ ગોઠવાયેલા ACBના જવાનોએ તરાપ મારી હતી. ACBની કચેરીની એટલી નજીક જ લાંચ લેતા ઝડપાઈ જવાથી કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

