Gujarat

ઓલપાડના અક્ષય રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ

સુરત ગ્રામ્ય જિલ્લામાં ફાર્મહાઉસ અને રિસોર્ટની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઓલપાડ તાલુકાના જોથાણ ગામની હદમાં આવેલા ‘અક્ષય રિસોર્ટ’ પર પોલીસે દરોડા પાડી વિદેશી યુવતીઓ સાથે ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 8 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા છે.

રિસોર્ટની આડમાં વિદેશી યુવતીઓનું નેટવર્ક પોલીસને બાતમી મળી હતી કે અક્ષય રિસોર્ટનો માલિક અને સુનીલ યાદવ નામના શખસ બહારથી વિદેશી યુવતીઓને લાવી દેહવિક્રયનો કાળો કારોબાર ચલાવે છે. રિસોર્ટના ઉપરના માળે રૂમો ભાડે આપી ગ્રાહકો પાસેથી પ્રતિ વ્યક્તિ 2000થી 8000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. હકીકતની ખરાઈ કરવા પોલીસે ડમી ગ્રાહક મોકલી ખાતરી કર્યા બાદ LCB, SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમોએ સંયુક્ત દરોડો પાડ્યો હતો.

કરોડોનો મુદ્દામાલ અને ધરપકડ દરોડા દરમિયાન રિસોર્ટમાં રોકાયેલી 8 થાઈલેન્ડની યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રિસોર્ટના માલિક અક્ષય ભંડારી, સંચાલક રવિસિંહ રાજપુત અને અક્ષય ઉર્ફે ગોલ્ડી સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં સુરત, મહેસાણા, બાબરા અને વિસાવદરના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે.

પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલો મુદ્દામાલ

  • રોકડ રકમ: 84,630
  • 2 લક્ઝરી કાર: 15,00,000
  • 3 મોટરસાઈકલ: 1,50,000
  • 13 મોબાઈલ ફોન: 2,62,000
  • 4 CCTV DVR: 20,000
  • કુલ મુદ્દામાલ: 20,16,630