Gujarat

ઘલુડી હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહની હાજરીમાં મોકડ્રિલ પ્રદર્શન યોજાયું

સુરત જિલ્લા પોલીસ દ્વારા ઘલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત રેન્જના આઈ.જી. શ્રી પ્રેમવીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસે તેમની તાલીમ, સજ્જતા અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા દર્શાવવા માટે વિવિધ પ્રકારની મોક ડ્રિલનું પ્રદર્શન કર્યું હતું.

આ ઇન્સ્પેક્શન દરમિયાન, પોલીસે આંદોલન વિરોધી ડ્રિલ, લૂંટ કર્યા બાદ નાસી જનાર આરોપીઓને પકડવાની ડ્રિલ અને યાત્રીઓની સુરક્ષિત બચાવ કામગીરી જેવી મોક ડ્રિલનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આ તમામ ડ્રિલમાં કોઈ જાનહાનિ વિના મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હોર્સ રાઇડિંગ ડ્રિલ, ડોગ સ્ક્વોડ ડ્રિલ, વેપન ડ્રિલ, મોબાઇલ ચેકપોસ્ટ ડ્રિલ, અને ડ્રોન તથા વાયરલેસ ડ્રિલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તમામ ડ્રિલ એસ.ઓ.જી. અને એલ.સી.બી. દ્વારા કરવામાં આવી હતી. ઘલુડી પોલીસ હેડક્વાર્ટર બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું.

ખાસ કરીને, વિરોધ પ્રદર્શન દરમિયાન ઉભી થતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પાણીનો મારો અને ટિયર ગેસનો ઉપયોગ કરી કેવી રીતે શાંતિ જાળવી શકાય તે દર્શાવ્યું હતું. પથ્થરમારો જેવી કપરી પરિસ્થિતિમાં પણ પોલીસે સંયમ અને કાર્યક્ષમતાથી કામગીરી કરી, જે તેમની ઉચ્ચ તાલીમ અને તૈયારીનું પ્રતીક હતું.

આ વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ દરમિયાન, સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના અધિકારીઓ અને જવાનોને તેમની પ્રશંસનીય કામગીરી બદલ સુરત રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીર સિંહ દ્વારા પુરસ્કાર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.