Gujarat

ગોધરામાં સદગુરુ રંગ અવધૂતની પ્રથમ બેઠક શતાબ્દી ઉજવાઈ

ગોધરામાં સદગુરુ દેવ શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના નારેશ્વર ખાતેની પ્રથમ બેઠકના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, પૂજ્યશ્રી જે શાળામાં અભ્યાસ કરતા હતા તે તેલંગ વાણિજ્ય વિદ્યાલયના પાવન ખંડમાં ભજન સત્સંગ અને ગુરુભક્તિ મહાત્મ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી રંગ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા દ્વારા કરાયું હતું.

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પૂજ્ય જગદીશાનંદજી, વક્તા નટવરસિંહ ડોડીયા, જિલ્લા શિક્ષણાધિકારી જે. એમ. પટેલ, ધર્મેન્દ્ર સોની, પ્રદીપ સોની અને પપ્પુ સુંદરકાંડવાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

સચિવ કક્ષાના નિવૃત્ત અધિકારી અને અવધૂત વિચારધારાના પ્રણેતા નટવરસિંહ ડોડીયાએ ગુરુભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામને પણ ગુરુ હતા, આ મહત્વ સંગીતમય શૈલીમાં ગુરુ ભજનો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય બાપજીના કૃપાર્થી પૂજ્ય જગદીશાનંદજીએ ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા રંગભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ગુરુના મહત્વ વિશે સમજાવ્યું હતું. શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે, તેલંગ વાણિજ્ય વિદ્યાલયના કમ્પાઉન્ડમાં અવધૂત પરિવારપરિયાના રંગ ભક્તો દ્વારા સુમધુર કંઠે દત્ત બાવની પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય જગદીશાનંદજી, નટવરસિંહ ડોડીયા અને ગુજરાતભરના અનેક રંગ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.