Gujarat

પંચમહાલમાં SMCએ ₹1.80 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો

નવા વર્ષની ઉજવણી (થર્ટી ફર્સ્ટ) પૂર્વે ગુજરાતમાં દારૂની હેરાફેરી ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં SMCની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરીને સાઈ રેસિડેન્સીની દુકાનમાંથી અંદાજે રૂ. 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. થર્ટી ફર્સ્ટના 10 દિવસ પહેલાં રહેણાંક વિસ્તારની દુકાનમાં સંતાડેલી વિદેશી દારૂની 72,000 બોટલો જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

ગુપ્ત બાતમીના આધારે દરોડો SMCના પીએસઆઈ આર.બી. વનારને ચોક્કસ બાતમી મળી હતી કે કાલોલ-બોરુ વિલેજ રોડ પર આવેલી સાઈ રેસિડેન્સીની દુકાન નંબર-1 માં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે અને ત્યાંથી તેનું વિતરણ (કટિંગ) થવાનું છે. આ બાતમીના આધારે 20 ડિસેમ્બરના રોજ ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ‘SK એન્ટરપ્રાઈઝ’ દ્વારા નિર્મિત ‘રોયલ સિલેક્ટ ડીલક્સ વ્હિસ્કી’ (180 ml)નો જથ્થો મળી આવ્યો હતો.

ગોવા, રાજસ્થાન અને એમપી સુધી નેટવર્ક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનું નેટવર્ક ગોવા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું છે. આ કેસમાં ગોવાથી દારૂ સપ્લાય કરનાર અશોક બિશ્નોઈ અને સુરેશ બિશ્નોઈ સહિત મુખ્ય રિસીવર સુમિત બિશ્નોઈ, સ્થાનિક સપ્લાયર હનુમાનરામ ગોદારા, દુકાન સંચાલક ખેતારામ ઉર્ફે સંજય મુદત અને ટ્રક માલિક સંજય શિવલાલ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.