Gujarat

કચ્છમાંથી પકડાયો ભિવાની કોર્ટ હત્યા કેસનો ફરાર શૂટર : ગુજરાત ATSએ વિકાસ અને આશ્રય આપનાર દિન્કેશને દબોચ્યા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ના અધિકારીઓને હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATSને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે. હરિયાણામાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરને કચ્છના રાપરમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ શૂટરની સાથે તેને આશ્રય આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશનની કડી ગુજરાત  ATS ને મળેલી એક સચોટ બાતમીથી મળી હતી. બાતમી એવી હતી કે, હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંધ શ્યોરાણ હાલમાં કચ્છના રાપરમાં છુપાયેલો છે. આ માહિતીની ખરાઈ કર્યા બાદ, કચ્છ પોલીસ સાથે સંકલન સાધીને રાપરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટ પાસેના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી વિકાસ ઉર્ફે ગોલુ અને તેને આશરો આપનાર દિન્કેશ ઉર્ફે કાલીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ની પૂછપરછ દરમિયાન આરોપી વિકાસે કબૂલાત કરી હતી કે, ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ તેણે હરિયાણાના ભિવાની કોર્ટ પરિસરમાં અજય અને રોહિત નામના સાગરીતો સાથે મળીને લવજીત (રોહતક) નામના શખસની ગોળી મારી હત્યા કરી હતી.

તેમજ પોલીસની ટીમ દ્વારા આરોપીઓ એ જણાવ્યું હતું કે, આ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ મોકલી આપી હતી. હત્યા બાદ ફરાર થયેલો વિકાસ નવેમ્બર મહિનામાં રાપર ખાતે દિન્કેશ ઉર્ફે કાલી પાસે રહેવા આવ્યો હતો. દિન્કેશ પોતે હરિયાણાના કેથલનો રહેવાસી છે અને નવીન બોક્સરના કહેવાથી તેણે આ શૂટરને છુપાવવામાં મદદ કરી હતી.