ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા પૂર્વ સૈનિકો માટે એક વ્યાપક ડ્રોન જાગૃતિ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં અંદાજે 300 પૂર્વ સૈનિકોએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને ઝડપી ગતિએ વિકસતી ડ્રોન ટેકનોલોજી અને તેની સુરક્ષા તથા નાગરિક ક્ષેત્રમાં વધતી ભૂમિકા અંગે નવીન માહિતી આપીને સશક્ત બનાવવાનો હતો.
સૈન્ય મથકમાં વિશેષ જાગૃતિ કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આધુનિક સર્વેલન્સ, રિકોનિસન્સ, લોજિસ્ટિક્સ તથા કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું. પૂર્વ સૈનિકોને વિવિધ પ્રકારના ડ્રોન, ઉડાનના મૂળભૂત સિદ્ધાંતો, ઓપરેશનલ ક્ષમતાઓ, પેલોડ ઇન્ટિગ્રેશન અને સલામતી મિકેનિઝમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશમાં ડ્રોનના ઉપયોગને લગતા કાનૂની નિયમો, સુરક્ષિત સંચાલન અને જવાબદાર નાગરિક ઉપયોગ અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું, જેથી પૂર્વ સૈનિકો ટેકનોલોજી આધારિત સમાજમાં માહિતગાર અને કાનૂની રીતે સજાગ રહી શકે.
સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ અને માનવીય સહાય જેવા ક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગ અંગે પણ માહિતી આપવામાં આવી, જે નિવૃત્તિ બાદના જીવનમાં નવી શક્યતાઓ તરફ દૃષ્ટિ ખોલે છે.
આધુનિક યુદ્ધ, સરહદી દેખરેખ અને આંતરિક સુરક્ષામાં ડ્રોનની ભૂમિકા અંગે વિગતવાર સમજ આપવામાં આવી. સંભવિત હવાઈ ખતરાની ઓળખ, યોગ્ય રિપોર્ટિંગ પ્રક્રિયા અને દુરૂપયોગ અટકાવવા માટેની તકેદારી અંગે સત્રો યોજાયા, જેના દ્વારા પૂર્વ સૈનિકોની જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા વધુ મજબૂત બની. પૂર્વ સૈનિકોને ડ્રોનની રચના અને કાર્યપદ્ધતિને નજીકથી સમજવાની તક મળી. ઇન્ટરએક્ટિવ ચર્ચાઓ દરમિયાન અનુભવ શેર કર્યા અને નિષ્ણાતો સાથે સંવાદ સાધ્યો હતો.

