Gujarat

ભાવનગર TP વિભાગે 150 કરોડની જમીન દબાણ મુક્ત કરી

ભાવનગર મહાનગરપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા વર્ષ 2025ના જાન્યુઆરી માસથી આજદિન સુધીમાં કુલ 60,760 ચોરસમીટર જગ્યા પરથી દબાણો દૂર કર્યા છે. ટીપી રોડ પર આવતા અને રિઝર્વ પ્લોટમાં આવતા 240થી વધુ દબાણો ઉભા કરાયા હતા. જોકે, હાલની બજાર કિંમત મુજબ 150 કરોડની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે.

ચિત્રા, ફુલસર, અકવાડા સહિતના વિસ્તારોમાં 240થી વધુ દબાણ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરમાં ટીપી રોડ તથા રિઝર્વ પ્લોટોમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી વર્ષ દરમિયાન સતત હાથ ધરવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષ 2025 જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન શહેરના ચિત્રા, ફુલસર, અકવાડા, અધેવાડા, તરસમિયા સહિતના વિસ્તારોમાં 240થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી 60,760 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલ બજાર કિંમત મુજબ 150 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે અને આવનાર નવા વર્ષ 2026માં પણ શહેરના ચિત્રા, ફુલસર સહિતના ટીપી રોડ તથા રિઝર્વ પ્લોટના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ફુલસરમાં 56.35 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ ફુલસર વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમ નંબર 2(A) માં 15 મીટર રોડ અને 18 મીટર રોડમાં રિઝર્વ પ્લોટ (27),(32),(12) ખુલ્લો કરવામાં આવ્યો, જેમાં 3 ધાર્મિક દબાણો મળી અંદાજિત 90 જેટલા કાચા-પાક બાંધકામો મળી 22.540 ચોરસમીટર, જેની હાલ બજાર કિંમત મુજબ 56 કરોડ 35 લાખ રૂપિયાની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

ચિત્રા સ્તનામ ચોકથી હરિઓમનગર સુધીની 45 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ ટીપી સ્કીમ નંબર 24 માં, ચિત્રા સ્તનામ ચોકથી હરિઓમ નગર સુધીમાં આવેલ 24 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે, જે 18000 ચોરસમીટરમાં 3 ધાર્મિક દબાણો મળી કુલ 50થી વધુ કાચા પાકા બાંધકામો, જેની હાલ બજાર કિંમત 45 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.