Gujarat

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ

નાતાલના પવિત્ર તહેવારની શરૂઆત નિમિત્તે ચાવડાપુરા જીટોડિયા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે સાન્તા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા આ પરેડનું આયોજન કરાયું હતું.

આ સાન્તા પરેડ ક્રિષ્ના કોર્નરથી શરૂ થઈને ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. મોટી સંખ્યામાં ધર્મજનો સાન્તા ક્લોસના લાલ ડ્રેસ અને ટોપી પહેરીને પરેડમાં જોડાયા હતા. આ પ્રસંગે ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે, આ પટાંગણ બેથલેહેમની યાદ અપાવે છે અને ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માટે આ આનંદનો અવસર છે. તેમણે આ 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીને ખુલ્લું મૂકતા આ નાતાલનો તહેવાર સૌના માટે યાદગાર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધર્મજનોએ આનંદ અને ઉત્સાહપૂર્વક એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગરબા અને ડાન્સમાં પણ ભાગ લીધો હતો. ફાધર, સિસ્ટરો સહિત આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા, જેના કારણે ચર્ચ કમ્પાઉન્ડ ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.