મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કિસાન સૂર્યોદય યોજના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) હેઠળના સાત જિલ્લાઓના 2.54 લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહ્યો છે.
આ યોજના અંતર્ગત, 4 ફેબ્રુઆરી 2024થી DGVCLના તમામ 807 ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે. આનાથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા અને જંતુઓના ડરમાંથી મુક્તિ મળી છે.
ખેતીવાડી ફીડરો મોટાભાગે ઝાડીઓ અને જંગલ વિસ્તારોમાંથી પસાર થતા હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા રહેતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે DGVCL દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા તારોને બદલે MVCC (Medium Voltage Covered Conductor) નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ માળખાગત મજબૂતીકરણને કારણે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાસભર અને અવિરત વીજળી સુનિશ્ચિત થઈ છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે રાત્રિના સમયે સિંચાઈ કરવા માટે ખેતરે જવાની હાલાકી દૂર થઈ છે.

