સુરત જિલ્લામાં આદિવાસીઓની મૂળ પરંપરા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે “દેવ બિરસા સેના” દ્વારા કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજ આદિ-અનાદી કાળથી પોતાની રૂઢીચુસ્ત પરંપરાઓ મુજબ પૂંજ મૂકી દેવોની પૂજા કરતો આવ્યો છે.
આ પરંપરાઓને ભારતીય સંવિધાનના અનુચ્છેદ-13-3 (ક) મુજબ રક્ષણ આપવામાં આવ્યું છે. સંગઠનનો આક્ષેપ છે કે હાલમાં ખ્રિસ્તી પાદરીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં નાતાલના કાર્યક્રમો યોજીને આદિવાસીઓને તેમની મૂળ સંસ્કૃતિથી અલગ કરવાનું અને તેમને નષ્ટ કરવાનું એક મોટું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.
દેવ બિરસા સેનાએ માંગ કરી છે કે જે વ્યક્તિઓ સરકારી ચોપડે કાયદેસર રીતે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય તેમને જ નાતાલના કાર્યક્રમો માટે મંજૂરી આપવામાં આવે. આ માટે મંજૂરી લેવા આવનાર પાસે કાયદેસરના પ્રમાણપત્રો માંગવાની રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, સંગઠને સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ગામેગામ બનેલા ચર્ચોની તપાસ કરવાની પણ માંગણી કરી છે.
આ તપાસમાં ચર્ચ કોની જમીન પર બન્યા છે, તે બનાવવા માટેનું ફંડ ક્યાંથી આવ્યું છે, અને આ સંસ્થાઓનું સંચાલન કોણ કરી રહ્યું છે તેવા મુદ્દાઓ આવરી લેવા વિનંતી કરી છે. આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખ્રિસ્તી પાદરીઓ દ્વારા આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા માટે ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

