Gujarat

જામનગરમાં સેક્રેટ હાર્ટ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી

જામનગરના એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 58 વર્ષથી કાર્યરત આ ચર્ચમાં ઈસુના જન્મની વધામણી અને સમૂહ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર ચર્ચને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને આતશબાજી પણ કરવામાં આવી હતી. શહેરમાં વસતા આશરે 300 કેથોલિક પરિવારોએ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

અંબર ચોકડી પાસે આવેલા સેક્રેટ હાર્ટ ચર્ચના પેરિશ પાદરી રેવ. ફાધર ડૉ. મનુ ચેરુમુત્તથુપદીએ ગઈકાલે રાત્રે સમૂહ પ્રાર્થના કરાવી હતી. આ દરમિયાન ભગવાન ઈસુના જન્મની વધામણી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ મોડી રાત્રે ચર્ચ નજીક કેથોલિક પરિવારો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.

જામનગરમાં વસતા ખ્રિસ્તી પરિવારોએ પોતાના ઘરોમાં પણ ક્રિસમસ ટ્રી સજાવ્યા હતા અને મકાનોને રોશનીથી શણગાર્યા હતા. સેન્ટ આન્સ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પણ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરોને રોશનીથી સજાવવામાં આવ્યા હતા અને ભગવાન ઈસુના જન્મ સમયની ઝાંખીઓ પણ તૈયાર કરાઈ હતી. આ ઝાંખીઓ નિહાળવા માટે બાળકો સહિત અનેક નગરજનો ઉમટી પડ્યા હતા.