Gujarat

વડોદરા કોર્પોરેશન અકોટા-માંજલપુરમાં 24 કરોડના ખર્ચે મેઇન-બેબી સ્વિમિંગ પુલ બનાવશે

વડોદરા મહાનગરપાલિકા હાલના સ્વિમિંગ પુલોને યોગ્ય રીતે મેન્ટેન કરી શકતું નથી, ત્યારે બીજી તરફ હવે પાલિકા શહેરના અકોટા અને માંજલપુર વિસ્તારમાં મોટા લોકો અને બાળકો માટે સ્વિમિંગ પુલો બનાવવા માટે સ્થાઈ સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે. આ સ્વિમિંગ પુલો રૂપિયા 24 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમા મંજૂરી માટે આવેલી દરખાસ્તો મુજબ શહેરના પશ્ચિમ ઝોનમાં અકોટા તથા તેની આજુબાજુના આશરે 4.50 લાખ લોકોને સ્વિમિંગ પુલની સુવિધા મળી રહે તે આશયથી સ્થાઈસમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે. અકોટા વિસ્તારમાં કુલ 23202 ચો.મી. પ્લોટ એરીયા પૈકી 7 હજાર ચો.મી.માં સ્વિમિંગ પુલ તથા 151 ચો.મી.માં બેબી સ્વિમિંગ પુલ તથા બાકીના એરીયામાં રોડ તથા પાર્કિંગ સહ નવીન સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના દક્ષિણ ઝોનમાં માંજલપુર તથા તેની આજુબાજુના આશરે 5 લાખ લોકોને સ્વિમિંગ પુલની સુવિધા મળી રહે તે હેતુસર દક્ષિણ ઝોનમાં આવેલ માંજલપુર સ્મશાનની સામે નવીન સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરેલ છે. વડોદરા શહેરમા દક્ષિણ ઝોનમાં આવેલ માંજલપુર સ્મશાનની સામે આવેલી 13366 ચો.મી. પૈકી 6462.95 ચો.મી.માં નવિન સ્વિમિંગપુલ બનાવવાનું આયોજન કરેલ છે.