Gujarat

ગીર ગઢડાના બેડીયા ગામમાં બે સિંહણની લટાર

ઉના-ગીરગઢડા પંથક સિંહોના વસવાટ માટે જાણીતો છે. હવે સિંહો જંગલ વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં મોડી રાત્રે બે સિંહણ લટાર મારતી જોવા મળી હતી, જેના દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.

બેડીયા ગામ જંગલ બોર્ડરથી તદ્દન નજીક આવેલું હોવાથી સિંહો અવારનવાર આ વિસ્તારમાં દેખાય છે. ગત રાત્રે આ બંને સિંહણ ગામના પીએચસી સબ-સેન્ટર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ગ્રામજનોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.

સિંહો દિન-પ્રતિદિન પોતાનો વિસ્તાર વધારી રહ્યા હોય તેમ બેડીયા ઉપરાંત ઉના તાલુકાના છેવાડાના માઢગામમાં પણ છેલ્લા બે દિવસથી બે સિંહનો વસવાટ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે માઢગામની સીમમાં બે સિંહ આવી પહોંચ્યા હતા અને તેમને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. માઢગામ વેરાવળ રોડ પર આવેલું અને જંગલથી ઘણું દૂર છે.

સિંહો શિકારની શોધમાં પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે જંગલમાં માલધારીઓની સંખ્યા ઓછી થવાથી સિંહોને તેમની જરૂરિયાત મુજબ મારણ મળતું નથી, જેના કારણે તેઓ ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે.