Gujarat

જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUIનું અરવલ્લી બચાવો વિરોધ

જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા અરવલ્લી પર્વતમાળામાં થતા ખાણકામ અને વૃક્ષ કાપણી સામે અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. શહેરના નંબર ચોકડી ખાતે કાર્યકરોએ ચહેરા પર ઓક્સિજન માસ્ક પહેરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો.

પ્રદર્શનકારીઓએ પ્રતિકાત્મક રીતે જણાવ્યું કે, “આજે અરવલ્લી કાપાશે તો કાલે અમારા શ્વાસમાં ઓક્સિજન ઘટશે.” આ વિરોધ રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાના 100 મીટર ઉપરના પર્વતને તોડી પાડવાના નિર્ણયના વિરોધમાં કરવામાં આવ્યો હતો.

કાર્યકરોએ “સેવ અરવલ્લી, સેવ ફ્યુચર”, “અરવલ્લી બચાવો, ઓક્સિજન બચાવો” અને “પ્રકૃતિ નહિ બચે તો પ્રગતિ શું કામ?” જેવા નારા લગાવ્યા હતા અને અરવલ્લી બચાવોના ગીતો ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત અને નજીકના રાજ્યોમાં ધૂળ પ્રદૂષણ, ગરમીમાં વધારો અને પાણીના સંકટ જેવા ગંભીર પ્રશ્નો ઉભા થશે.

તેમણે સરકારને અરવલ્લીમાં ગેરકાયદેસર ખાણકામ સામે તાત્કાલિક અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શન શહેરમાં ચર્ચાનો વિષય બન્યું હતું, જ્યાં પસાર થતા નાગરિકો ઓક્સિજન માસ્ક પહેરેલા યુવાનોને જોઈ તેમની માંગ વિશે જાણકારી મેળવવા ઉત્સુક દેખાયા.