ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખડાત ગામે દરોડો પાડ્યો હતો. એક રહેણાંક મકાનની બાજુમાં આવેલા છાપરામાંથી લાકડા અને ઘઉંના ભુસા નીચે સંતાડેલી 2 લાખ 47 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની 888 નંગ બોટલો જપ્ત કરી ફરાર બે બૂટલેગરો વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેટ્રોલિંગ દરમિયાન દારૂની બાતમી મળી ગાંધીનગરમાં ન્યૂ યરની ઉજવણી દરમ્યાન દારૂની રેલમછેલ રોકવા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમ માણસા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ખડાત ગામના ભારથરવાસમાં રહેતા શૈલેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ અને મહેશસિંહ ઉર્ફે માલુભા નાથુસિંહ રાઠોડ પોતાના ઘરની બાજુમાં આવેલા કાચા છાપરામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે.
રેડમાં 21 પેટી દારૂ મળ્યો આ બાતમીના આધારે એલસીબીએ ઉપરોક્ત સ્થળે પોલીસે ઓચિંતી રેઇડ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન છાપરામાં લાકડાના ઢગલા પાછળ અને ઘઉંના ભુસાના પાર્સલો નીચે સિફતપૂર્વક સંતાડવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 21 પેટીઓ (888 નંગ બોટલ) મળી આવી હતી.

