Gujarat

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે થયું સમાધાન; બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી

પાંચ મહિના બાદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયુ છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બબાલ શરૂ થઈ હતી. દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં ૧૨ ઓગસ્ટે હુમલો થયો હતો. ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ હતી. જાેકે, આજે(૨૮ ડિસેમ્બર) બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.

સમગ્ર મામલા ની વાત કરીએ તો, ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને અન્ય ૧૫ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના ૫ ગુના દાખલ કરી ૧૭ ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ તાલાલા પોલીસકેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી. વેરાવળ કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.

ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી દાખલ કરી હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા ફરિયાદીએ રજૂઆત કરી હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા. સેશન્સ કોર્ટે તેમને ૩૦ દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે હુકમ કર્યો હતો. જાેકે, હાઈકોર્ટે આ કેસમાં દખલ કરી દેવાયત ખવડને હાજર થવા માટે વધુ એક મહિનાની મુદત લંબાવી હતી.