સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે જેમાં, વર્ષ ૨૦૦૨માં સચિન વિસ્તારમાંથી અઢી વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી ૫ લાખની ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ક્રિષ્ણા કેવટને પોલીસે ૨૩ વર્ષના લાંબા ગાળા બાદ તમિલનાડુથી દબોચી લીધો છે.
વર્ષ ૨૦૦૨માં સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક પરિવારના અઢી વર્ષના પુત્રનું અપહરણ કરી આખા શહેરમાં સનસનાટી મચાવી દેવામાં આવી હતી. આરોપી ક્રિષ્ણા બાસો કેવટે તેના અન્ય સાગરીતો સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. બાળકને સુરક્ષિત છોડવા માટે આરોપીઓએ પરિવાર પાસે ૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
તે સમયે સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બિહારના પટણા રેલવે સ્ટેશન પરથી અન્ય આરોપીઓને ઝડપી પાડી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો, પરંતુ મુખ્ય આરોપી ક્રિષ્ણા પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો.

