Gujarat

૨૦૨૫નું વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલી અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદને આધુનિક ડ્રેનેજ સુવિધાનો ઐતિહાસિક લાભ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૩૩૦ કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “હૃદયને આનંદ થાય એવો આ નાનકડો પરંતુ અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. ૧૯૭૩ની સાબરમતી પૂર દુર્ઘટનામાં જેમનું સર્વસ્વ નષ્ટ થયું હતું, તેવા નાગરિકોને આજે ૫૦ વર્ષ બાદ પ્લોટની માલિકીનો અધિકાર મળ્યો છે. આવડા મોટા અમદાવાદ શહેરમાં ૧૭૩ લાભાર્થીઓ સંખ્યાત્મક રીતે ઓછા લાગી શકે, પરંતુ તેમના માટે આ ક્ષણ અત્યંત ઐતિહાસિક અને ભાવનાત્મક છે.”

શ્રી શાહે આ સંવેદનશીલ ર્નિણય બદલ સ્થાનિક જન પ્રતિનિધિ શ્રી અમિતભાઈ ઠાકર, અમદાવાદના મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પાંચ દાયકાથી ચાલતી સમસ્યાનું આજે કાયમી નિરાકરણ આવ્યું છે, જે સંવેદનશીલ શાસનની પ્રતિતિ કરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના આશરે ૧૫ લાખ નાગરિકો માટે અગાઉ ગટરના પાણીના નિકાલની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ દરમિયાન શેલા થી ચાંદખેડા સુધીના વિસ્તારો ઝડપથી શહેરીકરણ પામ્યા, પરંતુ સંપૂર્ણ ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવા માટે વિશાળ બજેટ અને લાંબા સમયની જરૂર હતી. કેટલીક જગ્યાએ ગટર ઉભરાતી સ્થિતિ જાેઈને સંસદ સભ્ય તરીકે તેમને વ્યથા થતી હોવાનું શ્રી શાહે જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકો સારું અને સ્વસ્થ જીવન જીવી શકે તેવા વાતાવરણની રચના માટે અમૃત યોજના સહિત શહેરી વિકાસ યોજનાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજે રૂ. ૪૦૦ કરોડના ખર્ચે ૧૨૦૦ થી ૧૮૦૦ એમ.એમ. વ્યાસની વિશાળ આર.સી.સી. પાઈપલાઈનો નાખવામાં આવી છે. જેના કારણે ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોના અંદાજે ૧૫ લાખ નાગરિકોને ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

શ્રી શાહે જણાવ્યું કે, “વર્ષો જૂની માંગણીઓ સંવેદનશીલતાની સાથે પૂર્ણ થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ છે. જનતા માંગણી કરે કે ન કરે, તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની કાર્યસંસ્કૃતિ તેમણે ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં વિકસાવી છે.”

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ૨૦૨૫નું વર્ષ વિદાય લઈ રહ્યું છે ત્યારે અમદાવાદ માટે આ વર્ષ વિકાસની હેલીનું અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ સાબિત થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સામાન્ય નાગરિકોને રોટી, કપડા અને મકાન જેવી પાયાની જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થાય તેવા સંકલ્પ સાથે સરકાર કાર્યરત છે. તેમણે કહ્યું કે, આદરણીય શ્રી મોદી સાહેબે દરેક ર્નિણયના કેન્દ્રમાં નાનામાં નાના નાગરિકનું હિત રાખ્યું છે. આ અભિગમના કારણે વધુ ગુણવત્તાવાળું જીવન બને તેવી સુવિધાઓનો દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તાર સૌથી હરિયાળો વિસ્તાર બન્યો છે. મિયાવાંકી પદ્ધતિએ ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક વગેરેથી ગ્રીન કવર વધ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વણઝર ગામના નાગરિકોને આજે સનદ મળી છે, જે “લોકોના દુ:ખને સમજે તે જ સાચો લોક સેવક” આ વિચારધારાને પ્રતિબિંબિત કરે છે. શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં ૪૦ ટકા વધારો કરીને રૂ. ૩૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં અમદાવાદ અનેક આંતરરાષ્ટ્રીય રમતોનું કેન્દ્ર બનશે, ત્યારે નાગરિકોએ શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા સામૂહિક સંકલ્પ લેવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રી પ્રતિભા જૈને અમદાવાદ શહેરના સર્વાંગી શહેરી વિકાસ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, કલેક્ટર શ્રી સુજીત કુમાર, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.