જિલ્લા મથક ભુજ શહેર સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો ભુજ કોર્ટે આદેશ કર્યો છે. પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો પગાર ન ચૂકવાતા કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે. કોર્ટના આદેશ બાદ કચેરીમાં માલસામાનની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ મામલો પૂર્વ મેડિકલ ઓફિસર ડૉ. હીરજી ભૂડિયાના બાકી પગારનો છે. તેમને વર્ષ 2011 સુધીનો ચડત પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. આ મુદ્દે ડૉ. ભૂડિયાએ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે અગાઉ પગાર ચૂકવવા માટે આદેશ કર્યો હતો, પરંતુ છેલ્લા આઠ વર્ષથી (વર્ષ 2017થી આજ સુધી) આ આદેશનો અમલ થયો ન હતો. ભુજ જી.કે. હોસ્પિટલના મેડિકલ કર્મચારીઓ દ્વારા પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

અરજદાર દ્વારા કોર્ટમાં અમલવારી અરજી રજૂ કરાતા, કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી. તેના સંદર્ભે, કોર્ટે સિવિલ સર્જનની કચેરીમાં આવેલી જંગમ મિલકત જપ્તીનો હુકમ કર્યો. કોર્ટના માર્ગદર્શન હેઠળ કચેરીમાંથી માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જંગમ મિલકત જપ્તી બાદ બાકી રહેતી રકમ સંબંધિત તંત્ર દ્વારા કોર્ટમાં જમા કરાવવાની રહેશે. અગાઉ મેડિકલ બોર્ડ દ્વારા પણ અરજદારને પગાર ચૂકવવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો, તેમ છતાં રકમ ન ચૂકવાતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે સરકારી તંત્રની બેદરકારીને ગંભીરતાથી લઈને આ આદેશ આપ્યો છે, જેના પગલે આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે.

