જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં આરોપીએ ભત્રીજીના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું.
આ ઉપરાંત આરોપી પરિણીત હોવા છતાં ખોટા દસ્તાવેજો બનાવી પીડિતા સાથે લગ્ન પણ કર્યા અને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આખરે કૌટુંબિક કાકાના ત્રાસથી કંટાળીને પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
એકાંતનો લાભ લઈ આરોપીએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું મળતી માહિતી અનુસાર, પીડિતાની વાડી નજીક જ તેના કૌટુંબિક કાકા રહેતા હતા. લોહીના સંબંધ હોવા છતાં આ આરોપીની નજર પોતાની ભત્રીજી પર બગડી હતી.
તેણે એકાંતનો લાભ લઈને યુવતીને ડરાવી ધમકાવી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલેથી ન અટકતા આરોપીએ યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા અને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો આ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેશે. આ ધમકીના ઓથાર હેઠળ યુવતી લાંબા સમય સુધી મૌન રહી અને આરોપી કાકા તેને પોતાનો શિકાર બનાવતા રહ્યા.
આ કેસમાં સૌથી આઘાતજનક વાત એ છે કે, આરોપી પહેલેથી જ પરિણી અને સંતાનવાળો હતો. તેમ છતાં તેણે યુવતીને પોતાની જાળમાં ફસાવી રાખવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા અને કાયદા અને સમાજની આંખમાં ધૂળ નાખી આરોપીએ કૌટુંબિક ભત્રીજી સાથે લગ્ન પણ કરી દીધા હતા. લગ્ન બાદ પણ તે સતત તેનું શોષણ કરતો રહ્યો હતો.

