સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 1.87 કરોડની ઓનલાઈન છેતરપિંડી આચરનાર ગેંગના એક સભ્યને પુણે, મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ફરિયાદી પાસેથી આ રકમ પડાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. તેમણે પોતાને ટ્રેડિંગ એડવાઈઝર તરીકે ઓળખાવી, અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપી હતી.
ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ, આરોપીઓએ તેમની પાસેથી કૂલ રૂ. 1,87,44,407 “DIWAN Enterprise” ના બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ, https://metaxoption.com વેબસાઈટ પર ખોટો નફો દર્શાવી, ફરિયાદીને તેમની રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS-2023 કલમ 316(5), 336(3), 318(4), 61(2) તથા IT એક્ટ કલમ 66(સી), 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા અને PI આઇ.એ. ઘાસુરાની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PC કાટુભાઈ વસરા, PSI એચ.કે. જાલા અને HC ભગીરથસિંહ જાડેજાએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરી હતી. આ માહિતીના આધારે, આરોપી એઝાજ સલીમભાઈ અબ્દુલઅજીજ શેખ (ઉં.વ. 37, રહે. કોંઢવા, પુણે, મહારાષ્ટ્ર) ને પુણેથી પકડી પાડવામાં આવ્યો હતો.

