માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આ અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસ અને RTO કચેરી બારડોલી દ્વારા સંયુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ ‘સીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” રાખવામાં આવી છે.

બારડોલી RTO કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને માર્ગ અકસ્માતોના ગંભીર આંકડાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. પોલીસ અને RTO અધિકારીઓએ રસ્તા પરની નાની ભૂલ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે તે સમજાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન, બારડોલીના માર્ગો પર હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા નિયમોનું પાલન કરતા વાહનચાલકોને પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરાયા હતા. હાજર તમામ નાગરિકોએ પોતે નિયમો પાળવા અને અન્યોને પણ તેનું પાલન કરાવવા માટે સામૂહિક શપથ લીધા હતા.

સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિક જાગૃતિ માટે યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ આ તબક્કે જાહેર કરવામાં આવી હતી. સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર અને RTO વિભાગ હવે સક્રિય બન્યા છે.ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આગામી દિવસોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે ટ્રાફિકના નિયમો દંડથી બચવા માટે નહીં, પરંતુ સુરક્ષિત ઘરે પહોંચવા માટે છે.

