શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાગરીતોના નેટવર્કને અમદાવાદ EDએ ઝડપી પાડ્યું છે. PMLA હેઠળ ચાલી રહેલી તપાસમાં EDએ હિમાંશુ ભાવસાર એન્ડ કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રોકડ રકમ, વિદેશી ચલણ અને કરોડો રૂપિયાની સ્થાવર મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલીને રોકાણકારોને ફોન કરી લાલચ આપતા આ માસ્ટરમાઈન્ડે અનેક રાજ્યોમાં 10.87 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
EDએ કરોડો રૂપિયાની મિલકત અને રોકડ જપ્ત કર્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા શેર માર્કેટમાં રોકાણના નામે કરવામાં આવેલી ઠગાઈના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ એક્ટ (PMLA)હેઠળ અમદાવાદના હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર તથા અન્ય આરોપીઓ સામે તપાસ દરમિયાન શરૂ કરીને EDએ કરોડો રૂપિયાની મિલકત અને નાણાં જપ્ત કર્યા છે.
EDએ હાથ ધરેલી તપાસમાં કુલ 110 કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.4 કરોડ થાય છે. આ ઉપરાંત લગભગ 1.296 કિલોગ્રામ સોનું પણ મળી આવ્યું છે, જેની કિંમત રૂપિયા 1.7 કરોડ છે. તેની સાથે આશરે 39.7 કિલોગ્રામ ચાંદીના દાગીના પણ જપ્ત કરાયા છે.

