રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પખવાડિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કડક કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગો પર નડતરરૂપ એવી કુલ 72 રેકડી અને કેબીનો જપ્ત કરવામાં આવી હતી.
આ કામગીરી મુખ્યત્વે જ્યુબેલી, મવડી બ્રિજ, આનંદ બંગલા ચોક, રૈયા રોડ અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વિવિધ રાજમાર્ગો પરથી કુલ 4620 ગેરકાયદેસર બોર્ડ અને બેનરો પણ દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા.
મનપાની ટીમે શહેરના જામનગર રોડ, યુનિવર્સિટી રોડ અને ધરાર માર્કેટ સહિતના વિસ્તારોમાંથી 3768 કિલો શાકભાજી અને ફળોનો જથ્થો જપ્ત કર્યો હતો, તેમજ વિવિધ સ્થળોએથી 654 જેટલી પરચુરણ ચીજવસ્તુઓ પણ કબજે કરી હતી.
આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા મંડપ-કમાન અને છાજલી પેટે રૂ. 1,24,050 અને વહીવટી ચાર્જ પેટે રૂ. 1,02,535 મળી કુલ રૂ. 2,26,585 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક અને જાહેર જનતાની સુવિધા માટે દબાણ હટાવવાની આ કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

