Gujarat

શેવરોલેટ ગાડીમાંથી 1450 બોટલ સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા

છોટા ઉદેપુર જિલ્લા LCBએ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક શેવરોલેટ ગાડીમાંથી રૂ. 5,35,520/- ની કિંમતની 1450 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે.

તાજેતરમાં, છોટા ઉદેપુર જિલ્લા LCBની ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક શેવરોલેટ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ખાંટિયાવાંટ તરફથી બોડેલી તરફ આવી રહી છે. આ બાતમીના આધારે LCB ટીમે ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 23 AF 8090 નંબરની શેવરોલેટ ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 5,35,520/- ની કિંમતની વિદેશી દારૂની 1450 બોટલ મળી આવી હતી.

LCB ટીમે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ, રાજકોટના મહાત્મા ગાંધી સોસાયટી, શેરી નં. 30, 80 ફૂટ રોડ, જંગલેશ્વરના રહેવાસી મકબુલ ઉર્ફે મકો ફરીદભાઈ ડોડેરા અને જંગલેશ્વર મેઈન રોડ, શેરી નં. 31, રાજકોટના રહેવાસી અલ્તાફભાઈ છોટુભાઈ પીરઝાદાની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ, ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 7,89,220/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.