Gujarat

ડેડુવા-રાહ રોડ પહોળો કરવા સામે ખેડૂતોનો આક્રોશ

ડેડુવા થી રાહ તરફ જતા ડામર રોડને પહોળો કરવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં ખેડૂતોની જમીન કપાત થઈ રહી છે, જેના વળતરની માંગ સાથે રાહ, કીયાલ, થરા અને ડેડુવા ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

ખેડૂત આગેવાન માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાહથી ડેડુવા સુધીનો સ્ટેટ હાઈવે પહોળો કરવામાં આવી રહ્યો છે. અગાઉ નેળિયા પર બનેલો રસ્તો બરાબર હતો, પરંતુ હવે 18 મીટર (60 ફૂટ) જમીન સંપાદિત કરવામાં આવી રહી છે.

માંગીલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, જૂના સમયમાં નેળિયા પર રસ્તો બનાવતી વખતે પણ સંપાદિત જમીનનું વળતર મળ્યું ન હતું. હવે નવી સંપાદિત થતી 18 મીટર જમીન માટે પણ ખેડૂતોને પૂછવામાં આવ્યું નથી કે વળતર ચૂકવવામાં આવ્યું નથી.

ખેડૂતો વિકાસ માટે જમીન આપવા તૈયાર છે, પરંતુ તેમને તેમની મહામૂલી જમીનનું યોગ્ય વળતર મળવું જોઈએ. રસ્તાના પહોળા કરવાના કામમાં ઊભા પાક, મકાનો અને વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, પરંતુ તેમને એક પણ રૂપિયાનું વળતર મળતું નથી.