Gujarat

ધોળકા-બગોદરા હાઈવે પર થોડા દિવસ પહેલા અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ

વાલથેરા ગામ પાસે લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં બસ ચાલક ફરાર થયાની સંભાવના બાદ મૃતદેહ ખેતરમાંથી મળ્યો

થોડા દિવસ અગાઉ ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે એક ભયાનક અકસ્માતમાં લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે જેમાં, અકસ્માત બાદ પછી બસ ચાલક ફરાર થઇ ગયો હોવાનું પોલીસ અને બસ માલિક માની રહ્યા હતા, તેનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

આ અકસ્માતની ઘટના સમયે પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નહોતું. બસને ક્રેનની મદદથી બહાર કાઢી લેવામાં આવી હતી. જાેકે, અકસ્માત બાદ બસનો ચાલક ક્યાંય દેખાયો નહોતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

જાે કે, કોઠ પોલીસ સ્ટેશનમાં જ્યારે હોસ્પિટલમાંથી ઈજાગ્રસ્તોની વર્ધી આવી, ત્યારે પોલીસે બસ માલિકની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનો પતો ન લાગતા પોલીસ અને બસ માલિકને એમ લાગ્યું કે અકસ્માત બાદ પોલીસ કાર્યવાહીના ડરથી ચાલક ભાગી ગયો હશે. સતત છ દિવસ સુધી તેનો સંપર્ક કરવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ ફોન બંધ હોવાથી કોઈ કડી મળી નહોતી.

અકસ્માતના થોડા દિવસો બાદ રવિવારે જ્યારે સ્થાનિક ખેડૂતો વાલથેરા પાસેના ખેતરમાં ડાંગરનું ધરુ લેવા માટે ગયા હતા, ત્યારે તેમને ખેતરમાં એક અજાણ્યો મૃતદેહ જાેવા મળ્યો હતો. ખેડૂતોએ તાત્કાલિક કોઠ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ બીજાે કોઈ નહીં પણ અકસ્માતગ્રસ્ત બસનો જ ચાલક હતો.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત વખતે ચાલકને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હશે અથવા પલટી ખાતી વખતે તે ફંગોળાઈને દૂર ખેતરમાં જઈ પડ્યો હશે, જ્યાં કોઈની નજર ન પડતા સારવારના અભાવે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

કોઠ પોલીસે મૃતદેહને કબજે કરી પંચનામું કર્યું છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.