Gujarat

‘કુપોષણમુક્ત ગુજરાત માટે સ્કૂલમાં ડેઇલી વિઝિટ કરો’

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કુપોષિત બાળકો માટે વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને કુપોષણના વીશ ચક્રમાંથી બહાર કાઢવા માટે સરકારની સાથે-સાથે ડૉક્ટરોનો સહયોગ અનિવાર્ય છે.

તેમણે મુખ્યત્વે બાબતો પર ભાર મૂક્યો હતો કે, ડૉક્ટરોએ શાળાએ જતાં બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેથી, કુપોષણને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય. માત્ર સારવાર જ નહીં પરંતુ, વાલીઓમાં પોષણક્ષમ આહાર બાબતે જાગૃતિ લાવવા માટે ડૉક્ટરોએ આગળ આવવું જોઈએ. મંત્રીએ સૂચન કર્યું કે, પીડિયાટ્રિક એસોસિએશનના સભ્યો કુપોષિત બાળકો માટે વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે.

હર્ષ સંઘવીએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવનિયુક્ત હોદ્દેદારો અને હાજર તબીબોએ હર્ષ સંઘવીની આ સલાહને સહર્ષ આવકારી હતી. એસોસિએશન દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, આગામી સમયમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે વિશેષ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષ અને તેમની ટીમની નિમણૂક માટે યોજાયો હતો. જેમાં શહેરના નામાંકિત બાળરોગ નિષ્ણાતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ નવી ટીમને અભિનંદન પાઠવતા તબીબી ક્ષેત્રે સુરતનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.