Gujarat

નોંઝણવાવમાં પરિણીતાના આપઘાતમાં મોટો વળાંક

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નોંઝણવાવ ગામે ગત 29 ડિસેમ્બરના રોજ 35 વર્ષીય પરિણીતા ચેતના ઉર્ફે સોનલબેન જાદવના આપઘાત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ મૃતકની માતાએ પોલીસ સમક્ષ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. કેશોદ પોલીસે આ મામલે મૃતકના પતિ સહિત પાંચ લોકો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

બીમારીનું કારણ આપી સાસરિયાનો ભીનું સંકેલવાનો પ્રયાસ ​ઘટનાની વિગતો મુજબ, ચેતનાબેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ત્યારે સાસરિયા પક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમને ‘સીરસ’ની ગંભીર બીમારી હતી. શરીરમાં અસહ્ય ખંજવાળ આવતી હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ બીમારીના કારણે જ તેમણે આપઘાત કર્યો છે. જોકે, આ વાત મૃતકના પીયર પક્ષને ગળે ઉતરી ન હતી. મૃતકના માતા લક્ષ્મીબેને આક્ષેપ કર્યો છે કે બીમારી તો માત્ર બહાનું છે, હકીકતમાં તેમની દીકરીને સાસરિયાઓએ મરવા માટે મજબૂર કરી હતી. પોલીસ તપાસમાં પણ હવે સામે આવ્યું છે કે સતત મળતા મેણા-ટોણા અને ત્રાસ આ ઘટનાનું મુખ્ય કારણ છે.

એકવાર તો હાથ પણ ભાંગી નાખ્યો હતો ​કેશોદ એસપી બી.સી. ઠક્કરે આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક સોનલબેનના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા પુત્રી છે. ફરિયાદ મુજબ, સોનલબેનનો પતિ નરેશ જાદવ તેને અવારનવાર ઢોર માર મારતો હતો. એક વર્ષ અગાઉ પણ નરેશે એટલી હદે મારપીટ કરી હતી કે સોનલબેનનો હાથ ભાંગી ગયો હતો અને ફેક્ચર થયું હતું. તે સમયે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું, પરંતુ પોતાની બે સંતાનોનું ભવિષ્ય અને લગ્નજીવન બચાવવા માટે સોનલબેને તે સમયે મૌન સેવી લીધું હતું. પરંતુ આ મૌન જ તેમની જિંદગી પર ભારે પડ્યું હતું.