Gujarat

રાજકોટમાં મનપાના વિપક્ષના નેતાનો નવતર વિરોધ, જંગલેશ્વરમાં નોટિસ બાદ શહેરના મફતિયાપરાના લોકોને બેઘર ન કરવા માગ

હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલરાઇઝ કરો તેવી માંગ સાથે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના 50 થી વધુ મફતીયાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતિયાપરાના લોકો છત છીનવાઈ જવાના ડરે રસ્તા પર ઉતરી આવ્યા છે.

મફતિયાપરાને રેગ્યુલરાઈઝ કરી આપવાની માગ રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં મફતિયાપરાના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં આંબેડકરના પૂતળા પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા છે.

જ્યાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 માં 10 જેટલા મફતિયાપરા આવેલા છે. જેમાં ગંજીવાડા વિસ્તાર, ખોડીયાર નગર, આંબેડકરનગર, ભારતનગર, માજોઠીનગર, જયહિંદ નગર, શિવાજીનગર, બાપા સીતારામનગર, આનંદનગર અને કુબલીયાપરા મફતિયાપરાનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 50 થી 60 વર્ષોથી લોકો અહીં રહે છે. જેઓ કોર્પોરેશનને લગતા તમામ પ્રકારના ટેક્સ અને વેરા ભરે છે. જેમાં અમૂક મફતિયા ULC ની જમીન પર આવેલા છે. જે તમામ મફતિયાપરાને રેગ્યુલાઇઝ કરી આપવા માટે અમો માંગણી કરી રહ્યા છીએ. જેથી સરકારે નક્કી કર્યા મુજબની ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવા રેલી કાઢી કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.