Gujarat

હાપા માર્કેટ યાર્ડ પાસે રસ્તો બંધ

જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ આગામી ચાર માસ માટે બંધ રહેશે. ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હોવાથી જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર, હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલવે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઈ રાધિકા સ્કૂલ તરફ જવાના ૪૫ મીટર ટી.પી. રોડ સુધીનો રસ્તો બંધ રહેશે. આમાં રેલવે ઓવરબ્રિજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફનો સર્વિસ રસ્તો અને મેરિયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફનો રસ્તો સામેલ છે.

આ રસ્તા પર ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવાના હેતુથી તા. ૮ જાન્યુઆરીથી ૭ મે સુધી, એટલે કે કુલ ચાર માસ માટે, તમામ વાહનવ્યવહાર બંધ રાખવાનો આદેશ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીએ બીપીએમસી એક્ટની કલમ હેઠળ કર્યો છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલવે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઈ રાધિકા સ્કૂલ તરફ જવાના ૪૫ મીટર ટી.પી. રોડ સુધી જતા રસ્તામાં રેલવે ઓવરબ્રિજના મધ્યરેખાથી ઉત્તર દિશા તરફનો સર્વિસ રસ્તો અને મેરિયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે. આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ધી બીપીએમસી એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.