પતિ દારૂ પી ઘરમાં ધમાલ અને પત્ની કંઇ બોલે તો છરી બતાવી ધમકી આપી માર મારતો હતો. પરિણીતાએ એકવાર આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. નારી અદાલતે બંને વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ.
નારી અદાલતના ભગવતી મહેતાએ જણાવ્યુ કે, એક મહિલાનો પતિ દારૂ પી ને ઘરે આવતો અને ધમાલ કરતો. જો મહિલા કાંઇપણ બોલે તો તેને છરી બતાવી ધમકાવતો હતો. એકવાર પતિ દારૂ પીને ઘરે આવતા મહિલાએ કહ્યુ કે જો રોજ તમારે આમ જ કરવુ હોય તો હુ મરી જાવ. બહેને પહેલા માળેથી કુદકો પણ માર્યો હતો.
બહેનને માનસિક ત્રાસ થવા લાગ્યો હતો. બહેનને બે દિકરા પણ છે. આવુ રોજ બનતા પરિણીતાએ પતિ સાથે નથી રહેવુ તેવી નક્કી કરી તેમના પિયરપક્ષમાં આવી ગયા હતા. અગાઉ 4 વખત પણ આ રીતે આવી ગયા હતા. પતિને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા છતા સુધારો ન આવતા અંતે પરિણીતાએ નારી અદાલતનુ શરણુ લીધુ હતુ. નારી અદાલતની ટીમે બેઠકમાં ગામના સરપંચ, આગેવાનેની હાજરીમાં પતિ-પત્ની બંનેને સાથે બેસાડી સમજાવી હવે આવુ નહીં કરે તેવે બાંહેધરી લીધી હતી. આમ, નારી અદાલતે 8 વર્ષથી પીડીત મહિલાની સમસ્યાનુ સમાધાન કરાવ્યુ હતુ.

