ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીની દીકરીએ બતાવેલી હિંમતની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે. મોડીરાત્રે એરપોર્ટ પરથી પરત ફરતી યુવતીની નજીવી બાબતે કાર રોકી માથાકૂટ કરનાર માણસાના બે નબીરાને યુવતીએ ફિલ્મી ઢબે પીછો કરી પોલીસના હવાલે કરાવ્યા છે. આ અંગે પોલીસે ૧૦ લાખની ફોર્ચ્યુનર કાર જપ્ત કરી બન્ને નબીરા વિરુદ્ધ ગુનો નોંધી હવાલાતની હવા ખવડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કંટ્રોલ રૂમની વર્ધીના આધારે ૧૧૨ પોલીસ વાન દ્વારા એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર (નંબર GJ-18-BS-4024) ને અટકાવવામાં આવી હતી. આ ગાડી રિલાયન્સ સર્કલથી શાહપુર સર્કલ તરફ સર્વિસ રોડ પર સર્પાકાર રીતે અત્યંત જાેખમી રીતે દોડી રહી હતી. પોલીસે ગાડી સવાર બંનેની પૂછતા તેમણે પોતાનું નામ ધવલ ગાંડાભાઇ ચૌધરી અને વિશાલ મનુ ભાઈ મિસ્ત્રી (બંને રહે. ભીમપુરા, તા. માણસા) હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, મનપાના પૂર્વ પદાધિકારીની પુત્રી અમદાવાદ એરપોર્ટથી રાત્રિના સમયે પોતાની કારમાં ગાંધીનગર પરત ફરી રહી હતી. આ દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે ફોર્ચ્યુનર કારમાં સવાર બે શખસે યુવતીની નજીવી બાબતે કાર આંતરી તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું અને ધાક-ધમકી આપી હતી. યુવતીએ જાેયું કે, બંને ઈસમો દારૂના નશામાં ચૂર હતા. જાેકે, માથાકૂટ કર્યા બાદ બંને શખસ પૂરપાટ ઝડપે ગાંધીનગર તરફ ભાગ્યા હતા. સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈ પણ ડરી જાય, પરંતુ યુવતીએ હિંમત હાર્યા વગર પોતાની કાર તેમની પાછળ દોડાવી હતી. આ દરમિયાન તેણે તરત જ પોતાના પિતાને ફોન કરી સમગ્ર હકીકત જણાવી દીધી હતી. મામલો પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
ઇન્ફોસિટી પોલીસની ટીમે તાત્કાલિક રિલાયન્સ સર્કલ પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન નશામાં ધૂત બંને શખસ સર્પાકાર ગતિએ કાર ચલાવી ત્યાં પહોંચતા જ પોલીસે તેમને આંતરી લીધા હતા. પૂછતાછમાં બંને માણસા તાલુકાના ભીમપુરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંનેને ગાડીમાંથી નીચે ઉતારી તેમનો નશો ઉતાર્યો હતો અને ૧૦ લાખની કાર જપ્ત હતી. આ ઘટનાના પગલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ પદાધિકારી પણ દોડી ગયા હતા, પરંતુ પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી કરી હોવાનું જાેઈ તેઓ શાંત પડ્યા હતા. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ યુવતીની હિંમતના ભારોભાર વખાણ થઈ રહ્યા છે. એકલે હાથે દારૂડિયા તત્વો સામે લડત આપી તેમને પકડાવવાની આ ઘટના ગાંધીનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

