Gujarat

દુષ્કર્મ કેસના બે આરોપીઓને ૨૦ વર્ષની કેદની સજા

મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મના કેસમાં પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો

મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધના ગુનાઓમાં એક દાખલારૂપ અને લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત મદદગાર શખ્સને ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આરોપીઓએ એક સગીરાને લગ્નની લાલચ આપી ગામમાંથી ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાયદેસરની કાર્યવાહી બાદ કેસ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ અને તેને આ ગુનામાં મદદ કરનાર ધર્મેન્દ્રસિંહ એમ બંનેને તકસીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે આ ચુકાદા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માત્ર દુષ્કર્મ આચરનાર જ નહીં પરંતુ આવા ગુનામાં સાથ આપનાર સહ-આરોપી પણ સમાન સજાને પાત્ર છે.

આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ રેખાબેન જાેષીએ હાજર રહીને ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક છે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે જરૂરી છે. સરકારી વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓને કડક સજાનો આદેશ આપ્યો હતો.