જામનગર સ્થિત ખોડલધામ મહિલા સમિતિએ મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. સમિતિ દ્વારા આયોજિત કેન્સર નિદાન અને રસીકરણ કેમ્પમાં 6000થી વધુ મહિલાઓએ મેમોગ્રાફી, સોનોગ્રાફી, ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન અને રસીકરણ જેવી સેવાઓનો લાભ લીધો હતો.
આ આરોગ્યલક્ષી કેમ્પમાં શહેરના નામાંકિત તબીબો અને હોસ્પિટલોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જી.જી. હોસ્પિટલના નિષ્ણાત ડો. શિલ્પાબેન ચુડાસમાના સહયોગથી ૪૯૦૦ જેટલી બહેનોની મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. આનાથી મધ્યમ વર્ગની મહિલાઓ માટે મોંઘા ટેસ્ટ સુલભ બન્યા હતા.

આ ઉપરાંત, સંજીવની હોસ્પિટલના ડો. મોનિકા દોંગાના સહકારથી 820 જેટલી બહેનોના ગર્ભાશયના મુખનું (સર્વાઈકલ કેન્સર) નિદાન થયું હતું. ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાના હેતુથી મધરકેર હોસ્પિટલના ડો. નિમેશ વરસાણીના સહયોગથી 480 બહેનોને કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવી હતી.
વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિનના 2 ડોઝ અને 15 થી 45 વર્ષની મહિલાઓને 3 ડોઝ આપી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવીને તેમને સ્વસ્થ જીવન તરફ દોરવાનો હતો, જેમાં સમિતિને અભૂતપૂર્વ સફળતા મળી છે.

