આગામી 19 જાન્યુઆરીએ આદિપુર ખાતે બ્રહ્મસમાજના 111 યુગલોના સમૂહ લગ્ન યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની કન્યાઓ પરિણય સૂત્રે બંધાશે. દરેક કન્યાને બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે. મુખ્ય દાતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના બાબુભાઈ હુંબલે અન્ય સમાજોની અનાથ દીકરીઓ માટે પણ સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે.
આયોજન અંગે ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આ સમૂહ લગ્નનો વિચાર દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો. બ્રહ્મસમાજથી શરૂ થયેલી આ પહેલ ભવિષ્યમાં અન્ય સમાજો માટે પણ વિસ્તારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પરિવારનો ઉદ્દેશ્ય છેવાડાના વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો છે.
નવયુગલોને આશીર્વાદ આપવા માટે જાણીતા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા અને જિજ્ઞેશ દાદા સહિત દેશભરમાંથી સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. કન્યાઓને દોઢ લાખના દાગીના સહિત કુલ બે લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવશે.
બ્રહ્મસમાજના અગ્રણી દિનેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, લીલાશા કુટિયા ખાતે યોજાનાર આ સમારોહમાં 111 દીકરીઓના વૈદિક વિધિ સાથે લગ્ન થશે, ઉપરાંત 171 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે. લગ્ન કરનારી 111 દીકરીઓમાંથી 47 કચ્છની અને 55 કચ્છ બહારની છે. તેમણે આ આયોજનને રાષ્ટ્રીય સ્તરનું ગણાવતા કહ્યું કે, આ એક વિશિષ્ટ આયોજન છે જ્યાં દાતા પરિવાર સ્વયં બ્રહ્મસમાજ પાસે આવ્યો છે.

