વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી દમણ ઉત્તરાયણની ઉજવણી કરીને પરત ફરી રહેલા બાઇક ચાલક મહેન્દ્ર શંભુનાથ રાજભરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની સાથે બેઠેલા બે મિત્રો ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે.
મહેન્દ્ર રાજભર (ઉંમર 36), જે સુરતના ડિંડોલી માર્ક પોઈન્ટ દશામાતા મંદિર પાસે રહેતા હતા અને મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની હતા. તેઓ 14 જાન્યુઆરી 2026ના રોજ તેમના મિત્રો સાથે મોપેડ પર દમણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા ગયા હતા. સાંજના સમયે તેઓ દમણથી સુરત તરફ પરત ફરી રહ્યા હતા.

રાત્રે આશરે 8:30 થી 9:30 વાગ્યાની આસપાસ, વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર, નેશનલ હાઈવે-48 પર વાપીથી સુરત જતાં માર્ગ પર આ ઘટના બની હતી. મહેન્દ્ર રાજભર પોતાની એક્ટીવા (નં. GJ-05-LW-2794) પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યા હતા.
ઓવરટેક કરવાની ઉતાવળમાં તેમની મોપેડ અજાણ્યા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મહેન્દ્ર રાજભરને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

