Gujarat

વલસાડ LCBએ પારડી હાઈવે પરથી ₹34.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પારડી વિસ્તારમાં નેશનલ હાઈવે પરથી પરફ્યુમની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹૩૪.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દમણના એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે.

LCBની ટીમ પારડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, દમણથી એક મરૂન કલરનો ટાટા ટેમ્પો (નંબર GJ-15-AX-3211) દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવાનો હતો. આ માહિતીના આધારે પોલીસે વલ્લભ આશ્રમ સ્કૂલ સામે હાઈવેના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી.

શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાંથી ‘ફોગ’ કંપનીના બોડી સ્પ્રેના 600 બોક્સ મળી આવ્યા હતા, જેની કિંમત ₹26,07,422 હતી. જોકે, પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા આ પરફ્યુમના બોક્સની નીચે છુપાવેલી વિદેશી દારૂ અને બીયરની 1068 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,61,680 થાય છે. પોલીસે ટેમ્પો, મોબાઈલ ફોન અને પરફ્યુમ સહિત કુલ ₹34,74,102નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટેમ્પો ચાલક જયપ્રકાશ ધરમપાલ ગૌતમ (રહે. ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.