Gujarat

મોરબીમાં બાઇક સાઇડમાં ચલાવવા બાબતે યુવાનને માર માર્યો

મોરબીમાં કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના રસ્તા ઉપર બાઇક સાઇડમાં ચલાવવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. કાર ચાલકે ગાળો આપી ફડાકો ઝીંક્યા બાદ અન્ય ચાર શખ્સોએ પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે બાદ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિદ્યુતનગર પાછળ, વિક્રમ વાડી, વોડાફોન ટાવર પાસે રહેતા મુકેશભાઈ ગોગજીભાઈ સુરેલા (ઉંમર 35) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અહેમદ અનવરભાઈ માલાણી, મિતુલભાઈ રમેશભાઈ સનુરા, વસીમભાઈ અનવરભાઈ માલાણી, ઋતિકભાઈ રમેશભાઈ સનુરા (રહે. ચારેય કાંતિનગર, મોરબી) અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો છે.

ફરિયાદ મુજબ, મુકેશભાઈ કુળદેવી પાનથી સર્કિટ હાઉસ વચ્ચેના વળાંક પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી અહેમદ માલાણી અને મિતુલભાઈ સનુરા GJ 1 WM 0004 નંબરની વર્ના કારમાં આવ્યા હતા. તેમણે બાઇકની સાઇડ કાપીને મુકેશભાઈને બાઇક સાઇડમાં ચલાવવા બાબતે ગાળો આપી હતી. અહેમદે મુકેશભાઈને ફડાકો પણ માર્યો હતો. ત્યારબાદ અહેમદે તેના ભાઈને ફોન કરીને બોલાવતા વસીમ સહિતના અન્ય ચાર શખ્સો ક્રેટા ગાડીમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મુકેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. જતા પહેલા, આરોપીઓએ મુકેશભાઈને ધમકી આપી હતી કે ‘આજે તો તું બચી ગયો છે, બીજી વાર ભેગો થયો તો જાનથી મારી નાખશું’.