ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના ચોપડે એક હૃદયદ્રાવક ઘટના નોંધાઈ છે, જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક ૪૨ વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની, સાસુ, બે સાળી અને બે સાળા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો મુજબ, મૂળ વિસનગરના રાલીસણા ગામના વતની અને હાલ અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દલપતભાઈ રાવતે તેમના મોટા ભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉં.વ. ૪૨)ના મોતના મામલે ફરિયાદ નોંધાવી છે. એ મુજબ લક્ષ્મણભાઈના લગ્ન વર્ષ ૨૦૧૧માં રાલીસણા ગામની જ સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ ત્યાર બાદ સુમિત્રાબેન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી અલગ રહેવા માટે દબાણ કરતાં હતાં. પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લાં ૫ વર્ષથી ઘર છોડીને રાલીસણા ખાતે પોતાની સાસરીમાં જ રહેવા ગયા હતા.
જાેકે લક્ષ્મણભાઈ જ્યારે પણ પોતાના વતનના પરિવાર કે ભાઈઓને મળતા ત્યારે પોતાની વ્યથા ઠાલવતા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે સાસરીમાં રહેવા છતાં પત્ની સુમિત્રાબેન અને સાસુ નર્મદાબેન તેમને શાંતિથી રહેવા દેતાં નથી. અવારનવાર પૈસાની માગણી કરી તેમને હેરાન કરવામાં આવતા હતા. જાે તેઓ પૈસા ન આપે તો તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા.
ગત તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. લક્ષ્મણભાઈએ સવારે તેમના ભાઈને ફોન કરીને રડતાં-રડતાં જણાવ્યું હતું કે પત્ની અને સાસુએ પૈસા માટે ઝઘડો કર્યો છે. ફક્ત એટલું જ નહીં, સાસરી પક્ષે તેમની સાળીઓ ઊર્મિલાબેન અને ગીતાબેન તેમજ રાજગઢથી બે કુટુંબી સાળાને બોલાવીને લક્ષ્મણભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો.
સાસરિયાંએ ધમકી આપી હતી કે જાે તું પૈસા નહીં આપે તો તને તારાં બાળકો પણ જાેવા નહીં દઈએ. આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં લક્ષ્મણભાઈ રાત્રિના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પાસે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં તેમણે કરુણતા સાથે જણાવ્યું હતું કે હું હવે થાકી ગયો છું, મારાં સાસુ અને પત્ની મને જીવવા દેતાં નથી. હું આ ડગલું ભરી રહ્યો છું, મારાં બાળકોને તમે સાચવજાે.
જેના પગલે પરિવારજનો તેમને શોધવા માટે કેનાલ દોડી ગયાં હતાં. દરમિયાન રાત્રિના અંધકારમાં મોબાઇલની લાઇટ દૂરથી દેખાઈ રહી હતી, પરંતુ પરિવારજનો મોબાઇલ લાઈટના અજવાળા તરફ પહોંચ્યા જ હતા ને લક્ષ્મણભાઈએ મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમની લાશ સાંતેજ પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ મૃતકના ભાઈની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પત્ની સુમિત્રાબેન, સાસુ નર્મદાબેન, સાળી ઊર્મિલાબેન, સાળી ગીતાબેન અને રાજગઢના બે કુટુંબી સાળા સહિત કુલ ૬ શખસો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ઝીરો નંબરથી ગુનો દાખલ કરી વધુ તપાસ વિસનગર પોલીસ તરફે મોકલી આપી છે.

